શહેરામાં ૬ ઈંચ વરસાદથી હાઈવે જળમગ્ન, તંત્ર અને આગેવાનોની સંયુક્ત કામગીરીથી પાણીનો નિકાલ કરાયો

શહેરામાં રાત્રિના ૨ વાગ્યાથી સવારના ૧૧ વાગ્યા સુધીમાં ૬ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને પગલે હાલોલ-શામળાજી હાઈવે પરના અણીયાદ ચોકડી પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર પાણીનો ભરાવો થવાથી વાહનો બંધ પડવાની અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ વિકટ સ્થિતિના નિવારણ માટે સ્થાનિક વહીવટી તંત્ર, નગરપાલિકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનોએ સંયુક્ત રીતે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી અને અણિયાદ ચોકડી તેમજ ગ્રીન પાર્ક સોસાયટી પાસે નેશનલ હાઈવેના ડિવાઈડર તોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા કટ આઉટ માટીથી પુરાઈ ગયા હોવાથી, ઉપસ્થિત આગેવાનો અને નગરપાલિકાની ટીમે જાતે શ્રમદાન કરી પાવડા વડે માટી હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
તંત્ર અને સ્થાનિક આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી હાલ પૂરતી લોકોને મોટી રાહત મળી છે. જોકે, હાલોલ-શામળાજી હાઈવે પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. વારંવાર સર્જાતી આ હાલાકીને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો દ્વારા વહીવટી તંત્ર પાસે આ સમસ્યાનો સત્વરે કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.



