Gujarat

ગોધરામાં બેફામ બનેલા છકડા ચાલકો ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડી જીવલેણ ઓવરલોડિંગ કરતા જોવા મળ્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી છકડા ચાલકો બેફામ બન્યા છે જે ટ્રાફિક વ્યવસ્થા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. વધુ નફો મેળવવાની લાલચમાં આ વાહન ચાલકો નિયમોને નેવે મૂકીને વાહનની સીટની મર્યાદા કરતા અનેકગણા વધુ મુસાફરો બેસાડી રહ્યા છે. મુસાફરોના જીવ સાથે ચેડાં કરી ખુલ્લેઆમ જોખમી સવારી કરાવતા છકડાઓના વીડિયો પણ તાજેતરમાં કેમેરામાં કેદ થયા છે. આ પ્રકારે ઓવરલોડિંગ કરી જીવલેણ મુસાફરી કરાવવી એ ટ્રાફિકના નિયમોનો સીધો ભંગ છે અને તે ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે.

આ ખુલ્લેઆમ થતા કાયદાના ઉલ્લંઘન વચ્ચે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ સાથે એવી ફરિયાદો ઊઠવા પામી છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર અંતરિયાળ ગામડાઓમાંથી આવતા સામાન્ય અને ગરીબ બાઇક સવારોને જ પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આંખ સામે આખો દિવસ જોખમી રીતે દોડતા આ છકડા ચાલકો પોલીસને કેમ દેખાતા નથી?

લોકોના જીવને જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે પોલીસની આ કામગીરીથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ સમસ્યાને પગલે લોકોમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, શું હવે આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button