ગુજરાતમાં ભારે વરસાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોડી રાત્રે SEOC ખાતેથી મોનિટરિંગ, 22 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી વચ્ચે મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રને હાઈ એલર્ટ પર રહી સતર્કતાપૂર્વક નજર રાખવા કડક સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતમાં વિકટ બનતી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 352 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને નવસારી તથા વલસાડમાંથી 22 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વરસાદી આફતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 4 ટુકડીઓ દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. આમાંથી બે ટીમ વલસાડ અને એક ટીમ નવસારી મોકલવામાં આવી છે, જ્યારે સુરતમાં એક ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. આ તમામ ટીમો આધુનિક બચાવ સાધનો અને બોટ સાથે સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થઈ રહી છે. આ ઉપરાંત, સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાંજે પડેલા ભારે વરસાદ તેમજ અમદાવાદના ધોળકા, ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લાની સ્થિતિ અંગે કલેક્ટરો પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. વરસાદ બંધ થયા બાદ અને પાણી ઓસરે ત્યારે રોગચાળો ન ફેલાય તે માટે ત્વરિત સાફ-સફાઈ, ડેમેજ થયેલા રસ્તાઓનું સમારકામ, વીજ પુરવઠાની બહાલી અને આરોગ્યલક્ષી પગલાં લેવા માટે પણ વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે બેઠકમાં માહિતી આપી હતી કે સમગ્ર સરકારી તંત્ર પૂરતી મશીનરી, સાધન-સામગ્રી અને મેનપાવર સાથે સજ્જ છે. કોઈપણ કટોકટીમાં ત્વરિત કામગીરી થઈ શકે તે માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે હોટલાઈન મારફતે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે.



