Gujarat

મહીસાગરના લાડવેલના ખેડૂત દ્વારા પેડી પ્લાન્ટરના સફળ ઉપયોગ બાદ નેનો ડીએપી ખાતરનો નવતર પ્રયોગ

કૃષિ યાંત્રિકીકરણ યોજનાથી સમય અને ખર્ચની બચત તેમજ પાક ઉત્પાદનમાં વધારો થવાની આશા સાથે ખેતીમાં આધુનિકરણ

મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના લાડવેલ ગામના પ્રગતિશીલ ખેડૂત દીક્ષિતકુમાર ચંદ્રકાંત પટેલે કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો લાભ લઈ આધુનિક ખેતી તરફ સફળ કદમ માંડ્યા છે. સરકારની સહાયથી મેળવેલા પેડી ટ્રાન્સપ્લાન્ટર મશીનથી ખેતીને સરળ અને ઓછી ખર્ચાળ બનાવ્યા બાદ હવે તેમણે જિલ્લા ખેતી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડાંગરના પાકમાં નેનો ડીએપી ખાતરનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

દીક્ષિત પટેલે ગુજરાત સરકારની યાંત્રિકીકરણ યોજનાના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૧-૨૨માં ડાંગર રોપવા માટેનું પેડી પ્લાન્ટર મશીન વસાવ્યું હતું. તેઓ છેલ્લા ચાર વર્ષથી સતત આ મશીન વડે ધરુ અને રોપણીનું કામ કરી રહ્યા છે. આ આધુનિક મશીનના ઉપયોગથી તેઓ ૧૨ એકર જમીનમાં ફક્ત એકલા હાથે જ ડાંગરની રોપણી ખૂબ જ ઝડપથી અને સમાન અંતરે કરી રહ્યા છે. મશીન હોવાથી તેમને ખેતરમાં કામ કરવા માટે મજૂરો બોલાવવા પડતા નથી જેનાથી મજૂરીના ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને સમય તથા પૈસા બંનેની બચત થાય છે. આ આધુનિક પદ્ધતિથી ખેતી કરવાથી તેમને અગાઉ કરતા ૧૦ થી ૧૫ ટકા જેટલો સારો પાક અને ઉત્પાદન વધારો જોવા મળ્યો છે.

મશીનરીની સફળતા બાદ હવે તેમણે ખાતરના ઉપયોગમાં પણ નવીનતા અપનાવી છે. આ વર્ષે તેમણે પોતાના ખેતરમાં પ્રાયોગિક ધોરણે નેનો ડીએપીનો ઉપયોગ કર્યો છે. સાચું પરિણામ અને તફાવત જાણવા માટે તેમણે એક ખેતરમાં નેનો ડીએપી સાથે અને બીજા ખેતરમાં નેનો ડીએપી વગર એમ બે અલગ અલગ રીતે ડાંગરની રોપણી કરી છે. જોકે, આ નેનો ડીએપીના પ્રયોગનું વાસ્તવિક પરિણામ ડાંગરનો પાક તૈયાર થશે ત્યારે જ જાણી શકાશે.

ખેડૂતના જણાવ્યા અનુસાર, જો આ પ્રયોગ સફળ રહેશે અને નેનો ડીએપીથી પાકનો સારો વિકાસ જોવા મળશે તો ભવિષ્યમાં ખેડૂતોને તેનાથી અનેક લાભો થશે. ખાસ કરીને સિઝન દરમિયાન બજારમાં અવારનવાર જોવા મળતી ખાતરની અછતનો પ્રશ્ન હલ થઈ શકશે. આ ઉપરાંત, ડીએપીની વજનદાર થેલીઓ લાવવા-લઈ જવામાં જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે અને ખેડૂતોને શારીરિક મુશ્કેલી પડે છે, તેમાં પણ મોટી રાહત મળશે. દીક્ષિત પટેલનો આ પ્રયાસ દર્શાવે છે કે આધુનિક સાધનો અને નવા પ્રયોગોના સમન્વયથી ખેતીને વધુ સ્માર્ટ બનાવી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button