શહેરાના ભુરખલ ગામમાં PM આવાસ યોજનામાં કટકી

સરપંચ હસમુખ સોલંકીનો ચા-પાણીના નામે કમિશન લેતો વીડિયો વાયરલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જૂના ભુરખલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગામના સરપંચ હસમુખભાઈ સોલંકી દ્વારા ગરીબ લાભાર્થીઓ પાસેથી મકાનના હપ્તા પાસ કરાવવા માટે ચા-પાણીના બહાને કમિશન લેવામાં આવતું હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં અને રાજકીય બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરપંચની આ ખુલ્લી કમિશનખોરીએ ગરીબો માટે ચાલતી સરકારી યોજનાઓની પારદર્શિતા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂના ભુરખલ ગામના મહિલા લાભાર્થી વીનાબેનને પીએમ આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. તેમના બેંક ખાતામાં પ્રથમ હપ્તો જમા થયા બાદ સરપંચ હસમુખ સોલંકીએ ઉપરના અધિકારીઓને ચા-પાણી કરાવવા પડશે તેવું કહીને કમિશનની માંગણી કરી હતી. સરપંચે શરૂઆતમાં જ આ ગરીબ મહિલા પાસેથી ૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આટલેથી સંતોષ ન માનતા, જ્યારે બીજા હપ્તાની વાત આવી ત્યારે તેમણે વધુ ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં, જો કમિશન નહીં આપો તો આગળનો હપ્તો પાસ નહીં થાય એમ પણ જણાવ્યું હતું.

સરપંચની વારંવારની માંગણીઓ અને ત્રાસથી કંટાળીને આખરે જાગૃત મહિલા લાભાર્થીએ સમયસૂચકતા વાપરી હતી. ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોવા છતાં, મહિલાએ છૂપી રીતે પોતાનો મોબાઈલ ગોઠવી દીધો હતો અને સરપંચ પૈસા લેવા આવ્યા ત્યારે તેમને વીડિયોમાં કેદ કરી લીધા હતા. આ વીડિયો વાયરલ થતાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે. પીડિત મહિલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજા પ્રતિનિધિઓને ગામના વિકાસ માટે ચૂંટે છે, પરંતુ જો તેઓ જ ગરીબોને લૂંટવા લાગે તો તે અત્યંત નિંદનીય છે. હાલ પંચમહાલ જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને ગરીબોના હકના પૈસા ઓળવી જનારા ભ્રષ્ટ સરપંચ સામે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.