અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત ગોધરા જંકશનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આશરે રૂ. ૬ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ પુનઃવિકસિત ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા માટે આ ઐતિહાસિક દિવસ છે, જેની સાથે ગોધરાવાસીઓની અદ્યતન રેલવે સુવિધાઓની વર્ષો જૂની આકાંક્ષાઓ પૂર્ણ થઈ છે.
નવનિર્મિત ગોધરા જંકશન હવે યાત્રી સુરક્ષા, સુવિધા અને સ્થાનિક સંસ્કૃતિના અદભુત સમન્વય સમાન બની ગયું છે. સાંસદ રાજપાલસિંહ જાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગનું નવીનીકરણ, દ્વિતીય પ્રવેશ દ્વાર, પહોળા કરાયેલા પ્લેટફોર્મ, ૪ આધુનિક લિફ્ટ અને સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, દિવ્યાંગજનો માટે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સાઈનેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.

આ પ્રસંગે પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ ૮૭ સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, જે વિસ્તારની આર્થિક પ્રગતિની જીવાદોરી બનશે. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે દેશમાં ૯૯.૬% રેલવે નેટવર્કના ઇલેક્ટ્રિફિકેશન, મુસાફરીના સમયમાં થયેલા ઘટાડા અને ‘કવચ ૪.૦’ ટેકનોલોજી થકી રેલવેમાં આવેલા પરિવર્તનની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, નિવાસી અધિક કલેક્ટર જે. જે. પટેલ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



