NATIONAL

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET પેપર લીક વિવાદમાં વિદ્યાર્થીઓનો વિજય

NEET-UG પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના આક્ષેપો વચ્ચે વિદ્યાર્થીઓના ભારે વિરોધને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર પોતાના સત્તાવાર એકાઉન્ટ (@dpradhanbjp) પરથી બે પાનાનો પત્ર શેર કરીને આ સત્તાવાર જાહેરાત કરી છે.

પોતાના રાજીનામાના પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ છેલ્લા ચાર દાયકાથી શિક્ષણ અને જાહેર જીવનમાં સક્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય રાજકીય કે કાનૂની વિવાદમાં ન ફસાય તે માટે તેમણે સ્વેચ્છાએ પદ છોડવાનો મોટો નિર્ણય લીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, “દેશના વિદ્યાર્થીઓનું હિત અને ભવિષ્ય કોઈપણ વિવાદથી ઉપર છે. હું મારી નૈતિક જવાબદારી સમજીને પદ પરથી રાજીનામું આપું છું”. વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના કાર્યકાળ દરમિયાન મળેલા માર્ગદર્શન અને દેશની સેવા કરવાની તક આપવા બદલ વિશેષ આભાર માન્યો હતો. પત્રમાં તેમણે NEET પરીક્ષાના આયોજન અને ત્યારબાદ ઊભા થયેલા વિવાદોનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હોવાનું જણાય છે.

નોંધનીય છે કે, તાજેતરમાં લેવાયેલી NEET-UG પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ અનેક રાજ્યોમાંથી પેપર લીક અને માર્ક્સમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. આ ઘટનાએ લાખો મેડિકલ ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું હતું. આ ઘટના બાદ, દિલ્હીના જંતર-મંતર સહિત દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. વિપક્ષી નેતાઓએ પણ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો અને શિક્ષણ મંત્રીની નૈતિક જવાબદારી ફિક્સ કરીને તેમના રાજીનામાની સતત માંગ કરી હતી. આખરે ભારે રાષ્ટ્રીય દબાણ અને વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે મંત્રીએ પદ છોડ્યું છે, જેને વિદ્યાર્થી સંગઠનો પોતાની મોટી જીત માની રહ્યા છે. હવે નવા શિક્ષણ મંત્રી તરીકે કોની નિમણૂક થશે અને મેડિકલ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે કેવા પગલાં લેવાશે તેના પર સમગ્ર દેશની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button