ગોધરાના ટુવા પાસે હાઇવે પરથી દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીક હાઇવે પર આવેલા હરપ્રિત ઢાબાના પાર્કિંગમાં દરોડો પાડીને એક અલ્ટો કારમાંથી ત્રણ શખ્સોને ગેરકાયદેસર દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ત્રણેય ઈસમો સામે કાંકણપુર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હરપ્રિત ઢાબાના પાર્કિંગમાં ઉભેલી અલ્ટો કારની તલાશી લેવામાં આવી હતી. કારમાં બેઠેલા ત્રણ ઈસમો પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો અને ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૭,૦૦૦ની કિંમતનો તમંચો, રૂ. ૬૦૦ની કિંમતના કારતુસ, રૂ. ૩૦,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. ૧ લાખની અલ્ટો કાર મળીને કુલ રૂ. ૧,૩૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ હથિયારના કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ અક્ષયકુમાર અરવિંદસિંહ ચૌહાણ રહે. મંદીર ફળીયુ, વિંઝોલ, તા.ગોધરા, ચિરાગકુમાર નરવતસિંહ ચૌહાણ રહે. કાંકણપુર, તા.ગોધરા અને સુરપાલકુમાર ગોપાલસિંહ ચૌહાણ રહે. નવાઘરા, વિંઝોલ, તા.ગોધરા તરીકે થઈ છે.



