પંચમહાલ જિલ્લામાં નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ – ઓઈલ પામ યોજના હેઠળ ઓઈલ પામની આધુનિક ખેતી અંગે તાલીમ અને મેગા પ્લાન્ટેશન ડ્રાઇવનું સફળ આયોજન

સેન્ટર ઓફ એક્સિલેન્સ, ખંડિવાવ ખાતે ૬૦ ખેડૂતોને ઓઈલ પામની વૈજ્ઞાનિક ખેતી અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન
ગોધરા તાલુકામાં ૭.૫૦ હેક્ટર વિસ્તારમાં સફળતાપૂર્વક કરાયું ઓઈલ પામનું વાવેતર
પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ – ઓઈલ પામ (NMEO-OP) યોજના અંતર્ગત ખેડૂતોમાં ઓઈલ પામની આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિવિધ સફળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ સેન્ટર ઓફ એક્સિલેન્સ, ખંડિવાવ ખાતે અનુસૂચિત જનજાતિ (ST)ના ખેડૂતો માટે એક દિવસીય વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૬૦ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઓઈલ પામની નવીનતમ ખેતી પદ્ધતિઓ, રોપણી, ટપક અને વૈજ્ઞાનિક સિંચાઈ વ્યવસ્થાપન, સંકલિત ખાતર વ્યવસ્થાપન તેમજ સરકારશ્રીની યોજનાકીય સહાય અને લાભો અંગે ખેડૂતોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.તાલીમ કાર્યક્રમના બીજા દિવસે ‘ઓઈલ પામ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ તેમજ નાયબ બાગાયત નિયામક એન. આઇ. પટેલની હાજરીમાં કુલ ૭.૫૦ હેક્ટર જમીન વિસ્તારમાં ઓઈલ પામનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,આવા તાલીમ સત્રો અને પ્લાન્ટેશન અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લાના ખેડૂતોને વ્યાવસાયિક ખેતી તરફ વાળીને તેમની આવકમાં ધરખમ વધારો કરવાનો તથા રાજ્ય અને દેશમાં ખાદ્ય તેલના ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાનો છે. પંચમહાલ જિલ્લા બાગાયત ખાતા દ્વારા વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે સતત ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.



