Tech

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને BSNLના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લા, ગુજરાતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના સંચાર મંત્રાલયની અગ્રણી પહેલો એવી 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ અને ભારતનેટ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત એલએસએ (LSA) ના અતિરિક્ત મહાનિદેશક શ્રી આશિષ ઠાકરના અધ્યક્ષ સ્થાને ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL), અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને BSNLના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે પૂર્ણ સહકારની ખાતરી આપી હતી અને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવામાં સુવિધા મળે તે માટે બાકી રહેલા 4G સેચ્યુરેશન પ્રોજેક્ટના સ્થળો (સાઇટ્સ) માટે જરૂરી જમીનની ફાળવણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન,4G સેચ્યુરેશન પ્રોજેક્ટ અને ભારતનેટ પ્રોજેક્ટ બંનેની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. DoT ના ડાયરેક્ટર ડૉ. કે. બી. શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં કુલ 24, 4G સેચ્યુરેશન સાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, અને જિલ્લા વહીવટીતંત્રે ખાતરી આપી હતી કે બાકીની 7 સાઇટ્સ માટે જમીનની ફાળવણી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રસંગે, અતિરિક્ત ડીજીટી (Addl. DGT) શ્રી આશિષ ઠાકરે, ડેપ્યુટી ડીડીઓ (Dy. DDO) સુશ્રી કે. કૃપાલી મિસ્ત્રીની સાથે, ટેલિકોમ કામગીરીના માપદંડોના આધારે ગુજરાતની ગ્રામ પંચાયતોમાં બીજો ક્રમ મેળવવા બદલ અરવલ્લી જિલ્લાના ધનસુરા બ્લોકના આકરુંદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જગદીશભાઈ પટેલનું સન્માન કર્યું હતું. આ સન્માન ડિજિટલ કનેક્ટિવિટી અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોશન તરફ ગ્રામ પંચાયતના અનુકરણીય યોગદાનને રેખાંકિત કરે છે.

ત્યારબાદ, શ્રી આશિષ ઠાકરે DoT, BSNL અને GFGNLના અધિકારીઓ સાથે વણાજ ગામ ખાતે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું. સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની પહેલ હેઠળ સ્વદેશી ટેલિકોમ સાધનોનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી આ સાઇટની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે સ્થાનિક વસ્તી માટે મજબૂત અને વિશ્વસનીય મોબાઈલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે વધુ સુધારા કરવા માટે નિર્દેશો જારી કર્યા હતા.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અને ગુજરાતના દરેક ગામડાને સીમલેસ (અવિરત) ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, GFGNL અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે મળીને નજીકથી કામ કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button