ગોધરા LCB પોલીસે પશુ ક્રૂરતાના ત્રણ ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પશુ અત્યાચારના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.
જિલ્લા પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન પોલીસને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ માહિતી મળી હતી કે, પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને ગોધરામાં સાતપુલ ખાતે આવેલી અક્સા મસ્જિદ પાસે રહેતો આરોપી મોહસીન લતીફ ગુણીયા હાલ ગોધરાની સુફી મસ્જિદ પાસે ઊભો છે.
આ સચોટ બાતમીના આધારે એલસીબીના સ્ટાફે તાત્કાલિક સુફી મસ્જિદ વિસ્તારમાં પહોંચીને ગુપ્ત રાહે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબના આરોપી મોહસીનને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગોધરા બી ડિવિઝન પોલીસમાં પ્રાણીઓની સાચવણી અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો. હાલમાં એલસીબીએ આરોપીની અટકાયત કરી આગળની સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને સુપરત કર્યો છે.



