શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે વિવિધ મંડળોના સભ્યોનો ઋણ સ્વીકાર અને અભિવાદન સમારંભ યોજાયો

ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યુનિવર્સિટીના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર વિવિધ મંડળોના સભ્યો માટે એક વિશેષ ઋણ સ્વીકાર તથા અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન અને તેમની જ અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં શૈક્ષણિક યાત્રામાં સહભાગી થનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગરિમાપૂર્ણ સમારંભમાં શૈક્ષણિક અને વહીવટી કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના તમામ સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિના હસ્તે આ તમામ સભ્યોને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ મંડળોના સભ્યોએ યુનિવર્સિટી સાથેના તેમના વિકાસલક્ષી અનુભવો વાગોળ્યા હતા અને પોતાના હકારાત્મક પ્રતિભાવો રજૂ કરી સંસ્થાની પ્રગતિ બિરદાવી હતી.
કાર્યક્રમના અંતમાં પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાએ યુનિવર્સિટીની અત્યાર સુધીની સફળ શૈક્ષણિક યાત્રામાં તમામ બોર્ડના સભ્યો તરફથી મળેલા સતત અને સક્રિય સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.



