પંચમહાલના કાલોલ તાલુકાના કરોલી ગામે પશુ રોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ’ યોજાયો

સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
પંચમહાલ જિલ્લા પંચાયતના પશુપાલન શાખા સંચાલિત કાલોલ પશુ દવાખાના દ્વારા કાલોલ તાલુકાના કરોલી ખાતે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ રોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પશુ આરોગ્ય મેળાનું ગરિમાપૂર્ણ ઉદઘાટન સાંસદ રાજપાલસિંહજી જાદવ અને પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૌપૂજન કરીને કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત પશુપાલક ભાઈ-બહેનોને સંબોધિત કરતા અતિથિ વિશેષોએ પશુધનની જાળવણી અને તેમના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમજ ગ્રામજનોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કેમ્પ દરમિયાન પશુઓ માટે નીચે મુજબની તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે (મફત) પૂરી પાડવામાં આવી હતી.જેમાં તમામ પશુઓ માટે વિનામૂલ્યે રસીકરણ અને વિવિધ રોગોની સચોટ સારવાર આપવામાં આવે છે,વેતરે આવેલા પશુઓ માટે કૃત્રિમ બીજદાન તેમજ વારંવાર ઉથલા મારતી (વેતરે ન આવતી) ગાય અને ભેંસ માટે જાતીય આરોગ્યની વિશેષ સારવાર કરવામાં આવે છે,જે પશુઓની ઓનલાઈન નોંધણી બાકી હોય, તેમનું ભારત પશુધન પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે,ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં જેવા પશુઓ માટે કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ અને ડોઝ પીવડાવવાની કામગીરી ઉપરાંત તણછ, હોર્ન કેન્સર (શિંગડાનું કેન્સર) અને રસોળી વગેરે જેવા રોગો માટે વિનામૂલ્યે સર્જીકલ ઓપરેશન તેમજ નર વાછરડાઓ માટે ખસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કેમ્પમાં પશુઓની આરોગ્ય સુખાકારી માટે પશુપાલન વિભાગના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. એન. એ. પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રુચિત પટેલ સહિત અન્ય પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.જેમાં કરોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં પશુપાલકોએ આ કેમ્પનો ઉત્સાહભેર લાભ લીધો હતો.



