
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડી.એલ.એડ. (પી.ટી.સી.) નો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતની ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોંધ લીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કચેરી, ગાંધીનગરને નિયમાનુસારની કાર્યવાહી કરવા માટેના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે. પી. પટેલ દ્વારા ડૉ. જશવંતસિંહ પરમારને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માનનીય મંત્રીશ્રીને સંબોધીને ગત તારીખ ૦૮/૦૭/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી રજૂઆતનો પત્ર વિભાગને મળેલ છે. સરકારશ્રીમાં આ બાબતની સકારાત્મક નોંધ લેવામાં આવી છે અને તે અંગે આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે સંબંધિત કચેરીને જાણ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. જશવંતસિંહ પરમારે ગત ૮ જુલાઈના રોજ રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને ધ્યાન દોર્યું હતું કે પંચમહાલ જિલ્લામાં હાલમાં એક પણ સરકારી ડી.એલ.એડ. કોલેજ ઉપલબ્ધ નથી. આના પરિણામે આદિવાસી અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ભારે આર્થિક બોજો સહન કરીને અન્ય જિલ્લાઓમાં જવું પડે છે અથવા તો તાલીમથી વંચિત રહી જવું પડે છે. ગોધરા ડાયેટ ખાતે પૂરતી ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક માળખું અને પ્રશિક્ષિત અધ્યાપકવર્ગ પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી ત્યાં જ આ અભ્યાસક્રમ શરૂ કરવાથી સ્થાનિક યુવાનોને શિક્ષક બનવાની વધુ તકો પ્રાપ્ત થશે તેવી માંગ તેમણે પોતાના પત્રમાં કરી હતી.



