GujaratNATIONAL

પંચમહાલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત વડાપ્રધાનના દેશવ્યાપી સંબોધનને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યુ

મંત્રી, મહાનુભાવો અને નગરજનો દ્વારા ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તારીખ ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ રાજ્યનું સુકાન સંભાળ્યું હતું. આ સફળ શાસન અને સેવા યાત્રાના ૨૫ વર્ષ પુરા થતા પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ ઉપસ્થિત જનમેદનીને ભારત માતાના જયઘોષ સાથે પ્રોત્સાહિત કરી ઉત્સાહપૂર્વક સંબોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા અને કાર્યકાળની સરાહના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન તેમજ રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અંત્યોદય સુધી વિકાસ યોજનાઓ પહોંચી રહી છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, C.H.C./P.H.C. દ્વારા આરોગ્ય સુવિધાઓ, કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધી આર્થિક સહાય અને ગરીબોને મફત અનાજ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ ઉપરાંત, તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સૌને એકજૂથ થઈ સહયોગ આપવા અપીલ કરી હતી.

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. દેશના ૧૪૦ કરોડ લોકો માટે રાત-દિવસ કામ કરીને વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ ભેદભાવ વગર છેવાડાના માનવી સુધી કિસાન સન્માન નિધિ, મફત અનાજ, વિધવા પેન્શન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ પહોંચાડવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણાત્મક ઉદબોધન રસપૂર્વક સાંભળ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકો વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થયા હતા. ત્યારબાદ ‘સેવા જ્યોતિ યાત્રા’ રથનું દીપ પ્રાગટ્ય કરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન થઈને ચર્ચ, પાંજરાપોળ, LIC ચોક અને LIC સર્કલ થઈને કલાલ દરવાજા ખાતે સમાપ્ત થઈ હતી.
આ કાર્યક્રમ દરમિયાન ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના વરદહસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્યસર્વ ફતેસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button