શહેરા તાલુકાના ખટકપુર ચોકડીથી નાંદરવા તરફ જતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓથી અકસ્માતનો ભય

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખટકપુર ચોકડીથી નાંદરવા તરફ જતો માર્ગ બિસ્માર હાલત વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રસ્તા પર પડેલા મસમોટા અને ઊંડા ખાડાઓને કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓ દૈનિક ધોરણે ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ મુખ્ય માર્ગ પર રોડને અડીને જ બે ફૂટથી વધુ ઊંડો ખાડો પણ પડી ગયો છે. રાત્રિના અંધકારમાં પૂરતી લાઇટિંગના અભાવે આ ખાડો અજાણ્યા વાહનચાલકો માટે સીધો મોતનો કૂવો બની શકે તેવી ગંભીર સ્થિતિ છે. આ ઉપરાંત, માત્ર ૨૦૦ મીટરના અંતરે રસ્તાની વચ્ચોવચ અન્ય મસમોટા ખાડા હોવાથી ચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહન સાઇડ પર લેવું પડે છે જેનાથી સામેથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.
તંત્ર દ્વારા લાંબા સમયથી આ ગંભીર સમસ્યા તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જે સ્પષ્ટ વહીવટી નિષ્ક્રિયતા દર્શાવે છે. રસ્તાની આવી દયનીય હાલત છતાં હજુ સુધી કોઈ જ સમારકામ ન થતાં સ્થાનિક વાહનચાલકોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. કોઈ નિર્દોષ નાગરિકની જાનહાનિ જેવી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત અનિવાર્ય છે. સત્વરે આ તમામ ખાડાઓ પૂરીને કાયમી ધોરણે રસ્તાનું યોગ્ય સમારકામ કરાવવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવી લોકમાંગ ઉઠી છે.



