Gujarat

શહેરાના ભેસાલ સ્થિત ખોડિયાર મંદિરેથી ૮ ફૂટ લાંબા મહાકાય મગરનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ભેસાલ ગામના ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાંથી વન વિભાગની ટીમે અંદાજિત ૮ ફૂટ લાંબા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. ભારે જહેમત બાદ પકડાયેલા આ મગરને વન વિભાગ દ્વારા સલામત રીતે પાનમ ડેમના ઊંડા પાણીમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા આર.એફ.ઓ.ના માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ વન વિભાગની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. ભેસાલ ગામના ખોડિયાર મંદિર ખાતે અચાનક આટલો મોટો મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા સ્ટાફ તાત્કાલિક ધોરણે સાધન સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટીમે ભારે કુનેહપૂર્વક અને વન્યજીવને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તે રીતે મગરને પકડી પાડ્યો હતો. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણના નિયમોને ધ્યાનમાં રાખીને મગરને તેના પ્રાકૃતિક નિવાસસ્થાન એવા પાનમ ડેમ ખાતે લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.

આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન શહેરાના આર.એફ.ઓ. વી. જી. ગઢવીની આગેવાનીમાં હાથ ધરવામાં આવ્યું હતું. મગરને પકડવાની આ કામગીરીમાં તેમની સાથે શહેરાના રાઉન્ડ ફોરેસ્ટર એસ. બી. માલીવાડ, મોરના રાઉન્ડ ફોરેસ્ટર જે. કે. પરમાર, મગલિયાણાના રાઉન્ડ ફોરેસ્ટર એ. એસ. પરમાર તથા દલવાડાના બીટ ગાર્ડ ડી. બી. રાઠવાએ ઘટનાસ્થળે હાજર રહીને ભારે જહેમત ઉઠાવી હતી. સ્ટાફની આ સમયસૂચકતા અને સફળ કામગીરીની સ્થાનિકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button