Gujarat

હાલોલમાં પડતર માંગણી ઓને લઈને મહેસૂલી કર્મચારીઓ અચોક્કસમુદતની હડતાળ પર ઉતર્યા, કામકાજ ઠપ્પ થતા અરજદારો રઝળ્યા

રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આહવાનને પગલે પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે હાલોલના મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે, જેના કારણે પોતાના અગત્યના કામ અર્થે કચેરીએ આવતા સામાન્ય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનને જિલ્લાભરના કર્મચારીઓ દ્વારા પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે હાલોલના મહેસૂલી કર્મચારીઓ પણ કામકાજથી દૂર રહીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમની તમામ પડતર માંગણીઓ સંદર્ભે કોઈ હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવામાં આવશે.

બીજી તરફ, મહેસૂલી કર્મચારીઓની આ હડતાળની સીધી અને માઠી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. કર્મચારીઓની ગેરહાજરીને કારણે હાલોલની વિવિધ સરકારી કચેરીઓમાં સવારથી જ અનેક ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. પોતાના કામ અર્થે દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા અરજદારોને કચેરીઓના ધક્કા ખાઈને અંતે ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે. સમય અને નાણાંનો વ્યય થવા છતાં કામ ન થવાના કારણે પરેશાન થયેલા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button