Gujarat

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં સેમ-૬ ની માર્કશીટ ન મળતા ઉચ્ચ અભ્યાસ પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

કુલપતિએ બે દિવસમાં માર્કશીટ આપવા અને બીજા તબક્કામાં ફોર્મ સ્વીકારવાની ખાતરી આપી

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (વિંઝોલ) સંલગ્ન કોલેજોમાં તાજેતરમાં સ્નાતક (સેમ-૬) નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઓરિજનલ માર્કશીટના અભાવે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માસ્ટર્સ અને બી.એડ. જેવા ઉચ્ચ અનુસ્નાતક કક્ષાના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલ પર ઓરિજનલ માર્કશીટ અપલોડ કરવી ફરજિયાત હોય છે. હાલમાં આ પોર્ટલ પર પ્રવેશ અંગેનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે છે પરંતુ યુનિવર્સિટી તરફથી હજુ સુધી ઓરિજનલ માર્કશીટ ન મળી હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ પોતાનું પ્રવેશ ફોર્મ ભરી શક્યા નથી. સમયસર માર્કશીટ ન મળે તો યોગ્ય કોલેજમાં પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવી શકે છે તેવી ભીતિના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું હતું.

વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યાને અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયાનો ટેલિફોનિક સંપર્ક કરી તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ બાબતે કુલપતિએ વિલંબનું કારણ જણાવતા સ્પષ્ટતા કરી હતી કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના બીજા પેપરની ચકાસણીની કામગીરી ચાલતી હતી. જોકે, હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમામ માર્કશીટ પ્રિન્ટિંગમાં જતી રહી છે. માત્ર બે દિવસની અંદર જ તમામ માર્કશીટ કોલેજોને મોકલી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને વધુમાં આશ્વાસન આપતા કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયાએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, માર્કશીટમાં થયેલા વિલંબના કારણે જે વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં પોતાનું પ્રવેશ ફોર્મ નથી ભરી શક્યા તેઓ બીજા તબક્કામાં પોતાનું પ્રવેશ ફોર્મ ચોક્કસથી ભરી શકશે અને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓએ કુલપતિના આ ખુલાસા અને બાંહેધરી બાદ હાશકારો અનુભવ્યો છે.

Related Articles

Back to top button