Gujarat

કાંકણપુરમાં સામાન્ય વરસાદમાં વીજ ડૂલ થતા લોકો પરેશાન

છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે લાઈટો ગુલ થતા અને કચેરીમાં ફોન ન ઉપાડતા રોષે ભરાયેલા ગ્રામજનોએ કાંકણપુર સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે આવેલી MGVCL સબ ડિવિઝન કચેરી હાલ લોકોના ભારે રોષ અને ચર્ચાનો વિષય બન્યો છે. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ત્રસ્ત થયેલા સ્થાનિક લોકોએ કચેરીએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા પાંચેક દિવસથી માત્ર સામાન્ય વરસાદના છાંટા પડે ત્યાં જ આખા વિસ્તારની વીજળી ઠપ્પ થઈ જાય છે જેને કારણે રાત્રિના અંધકારમાં ગૃહિણીઓ અને બાળકો સહિત તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સતત લાઈટો જવાની આ સમસ્યા અંગે લોકોએ કચેરીમાં વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન સતત વ્યસ્ત આવતો હતો અથવા તો કોઈના દ્વારા ફોન ઉપાડવામાં આવતો ન હતો. વીજ તંત્રના આ ઉદાસીન વલણથી કંટાળીને લોકો આખરે કાંકણપુર સબ ડિવિઝન કચેરી ખાતે રૂબરૂ પહોંચ્યા હતા અને ત્યાં જઈને હલ્લાબોલ કર્યો હતો. જોકે, કચેરીએ પહોંચેલા લોકોને વધુ નિરાશા સાંપડી હતી કારણ કે ત્યાં જઈને જોયું તો કોઈ જ જવાબદાર સ્ટાફ હાજર ન હતો. ઓફિસને તાળા મારેલા હતા.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ સમયસર વીજ બિલનું ચૂકવણું કરે છે, તેમ છતાં તેમને અવિરત અને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. આ સમસ્યા માત્ર કાંકણપુર પૂરતી સીમિત નથી, પરંતુ કાંકણપુર સબ ડિવિઝન હેઠળ આવતા તમામ ગામોમાં આ એક વિકટ પ્રશ્ન બની ગયો છે. વીજ તંત્રની આ ઘોર બેદરકારીના કારણે કાંકણપુર ઉપરાંત મોતાલ, છકકડીયા, કરસાણા, પઢીયાર, અંદરના મુવાડા, વેલવડ, રઘના મુવાડા, લાકોડના મુવાડા, પીપડીયા અને મોર્યો સહિતના આસપાસના અનેક ગામોના લોકોમાં ભારે બૂમરાણ ઉઠવા પામી છે. નિયમિત વીજળી ન મળતા અને તંત્રના અણઘડ વહીવટને કારણે સમગ્ર પંથકના સ્થાનિકોમાં MGVCL ની કામગીરી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Related Articles

Back to top button