FoodsGujarat

શહેરાના ચોપડા ખુર્દમાં સસ્તા અનાજની દુકાનમાં મોટો ભ્રષ્ટાચાર

ગરીબોના અનાજમાં બે-બે કિલોની કટકી મારતો સંચાલક

શહેરા તાલુકાના ચોપડા ખુર્દ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં તહેવારો ટાણે જ ગરીબ લાભાર્થીઓના હકના અનાજમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. દુકાન સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજમાં બે કિલો જેટલો કાપ મૂકીને ઓછું અનાજ આપવાની સાથે ગ્રાહકોને પાકી પાવતી પણ ન અપાતી હોવાની ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. આ દુકાનમાં નોંધાયેલા કુલ ૭૨૨ જેટલા રેશનકાર્ડ ધારકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થળ પર જઈને કરવામાં આવેલી તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દુકાન સંચાલક એસ. પી. પટેલ દ્વારા ગ્રાહકોની અભણતાનો સીધો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. અનાજ આપતી વખતે વજન કાંટો ગ્રાહકોથી વિરુદ્ધ દિશામાં રાખીને ફટાફટ અનાજ તોલી આપવામાં આવે છે. જેથી ગ્રાહકોને વજનનો સાચો ખ્યાલ આવી શકતો નથી. એટલું જ નહીં, સિસ્ટમમાંથી નીકળતી પાવતી પણ ગ્રાહકોને આપવાના બદલે સંચાલક પોતાની પાસે જ જમા રાખી લે છે. તપાસ દરમિયાન કેટલાક લાભાર્થીઓને આપવામાં આવેલા અનાજનું ફરીથી વજન કરવામાં આવતા પ્રત્યેક રેશનકાર્ડ દીઠ ઘઉં, ચોખા અને મકાઈમાં બે-બે કિલોનો સીધો ઘટાડો જોવા મળ્યો હતો.

આ કાળાબજારીનો ભોગ બનેલા રેશનકાર્ડ ધારક અખમબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ અભણ હોવાથી સંચાલકની ચાલાકી સમજી શકતા ન હતા. અખમબેન તેમજ અન્ય પાંચ જેટલા ગ્રાહકોના અનાજની સ્થળ પર જ ચકાસણી કરતા તમામના જથ્થામાં અનાજ ઓછું નીકળ્યું હતું. શરૂઆતમાં સંચાલક એસ. પી. પટેલે પોતે પૂરેપૂરું વજન આપતો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ વજનમાં ચોરી રંગેહાથ પકડાતા તેણે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ઉપરથી જ તેમને જથ્થો ઓછો અને ઘટ સાથે આપવામાં આવે છે.

એક તરફ તહેવારોની મોસમ નજીક છે અને સરકાર ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કરી રહી છે, ત્યારે બીજી તરફ આવા ભ્રષ્ટ સંચાલકો ગરીબોના કોળિયા ઝૂંટવી રહ્યા છે. ખુલ્લેઆમ ચાલી રહેલી આ ગેરરીતિ સામે રેશનકાર્ડ ધારકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે જિલ્લા પુરવઠા અધિકારી આ ગંભીર ભ્રષ્ટાચાર મામલે જાગૃત થઈને કાળાબજારી કરતા દુકાન સંચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button