Gujarat

ગોધરા સબ જેલ અને NGOએ માનવતા દાખવી આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને જામીન રકમ ભરી મુક્ત કરાવ્યો

ગોધરા સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા કાપી રહેલા એક ગરીબ કેદીને જેલ પ્રશાસન, DLSA અને એક સેવાભાવી NGOના સંયુક્ત પ્રયાસોથી જેલમુક્ત કરવામાં આવ્યો છે. આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાના કારણે કોર્ટમાંથી જામીન મંજૂર થયા હોવા છતાં કેદી દંડ ભરીને મુક્ત થઈ શકતો ન હતો, ત્યારે જેલતંત્ર અને NGOએ રૂ. ૩૦,૦૦૦ની જામીન રકમની વ્યવસ્થા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા સબ જેલમાં ગત તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ પશુધારાના ગુના (સે.કે.નં-૬૭/૨૦૨૪) હેઠળ અરવિંદ મણીલાલ નાયક નામના આરોપીને દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીના ઘરમાં કમાનાર તે એકમાત્ર વ્યક્તિ હતો અને તેના પરિવારમાં ત્રણ નાના બાળકો પણ છે. તેની આર્થિક સ્થિતિ એટલી દયનીય હતી કે તે પોતાનો બચાવ કરવા માટે ખાનગી વકીલ પણ રાખી શકે તેમ ન હતો. આ લાચારીને ધ્યાનમાં રાખીને ગોધરા સબ જેલ દ્વારા જરૂરી કાર્યવાહી કરી તેને સરકારી રાહે વકીલની ફાળવણી કરવામાં આવી હતી. આ સરકારી વકીલની મહેનતથી કોર્ટમાં જામીન અરજી દાખલ કરાતા કોર્ટે રૂ. ૩૦,૦૦૦ રોકડા જમા કરાવવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

જામીન મંજૂર થયા બાદ પણ નવી મુશ્કેલી એ હતી કે આરોપીના સગા-સંબંધીઓ કે મિત્રો આ નાણાં ભરવા તૈયાર ન હતા. આરોપીની સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસન અને DLSAએ માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો. જેલ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ એક NGO દ્વારા આ જામીનની રકમની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારી વકીલ મારફતે કોર્ટની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી વિદાય લેતી વખતે ગોધરા જેલ પ્રશાસન દ્વારા આ કેદીને ભવિષ્યમાં ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન જોડાવા અને જેલમાં પરત ન આવવા અંગે પૂરતું માર્ગદર્શન આપી તેની પાસેથી ખાતરી લેવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button