Uncategorized

ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસનો આતંક: બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ દોડતું થયું

ગોધરા તાલુકામાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ઘાતક ચાંદીપુરમ વાયરસે માથું ઊંચક્યું છે જેના કારણે બે માસૂમ બાળકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બાળકોને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ ખેંચ આવતા તેમને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત થયા હતા.

આ ઘટનાને પગલે હરકતમાં આવેલા આરોગ્ય વિભાગ દ્વારા બંને ગામોમાં સઘન સર્વેલન્સ, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ સેન્ડફ્લાય માખીઓના આશ્રયસ્થાન એવા કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ દરમિયાન તંત્રને આ વિસ્તારોમાંથી ૨૬૦ જેટલી સેન્ડફ્લાય માખીઓ પણ મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં દર ચોમાસે આ માખી કરડવાથી વાયરસ વકરે છે અને આ અંગે છેલ્લા ૨ વર્ષથી આઈ.સી.એમ.આર. (ICMR) દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું હોવા છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તંત્ર દ્વારા હાલ ગ્રામજનોને બાળકોની તબિયત બાબતે ખાસ સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે આ ઘટનાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફિવર ટ્રેકિંગ સિસ્ટમ મારફતે શંકાસ્પદ ૪ કેસ નોંધાયા હતા, જેમાંથી બે કેસ નેગેટિવ અને બે કેસ પોઝિટિવ આવ્યા હતા.

મૃત્યુ પામેલા બાળકોમાં વીંઝોલ ગામના ૪ વર્ષના બાળક અને સરદારપુરા (ટીંબા અને મેલોલ પીએચસી વિસ્તાર) ગામના ૩ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. વાયરસ અંગે ચેતવણી આપતા તેમણે ઉમેર્યું કે આ વાયરસનો ઇન્ક્યુબેશન પિરિયડ ખૂબ જ ટૂંકો હોય છે. ચેપ લાગ્યાના માત્ર ૩ થી ૪ કલાકમાં જ બાળકમાં રોગના લક્ષણો દેખાવા લાગે છે અને રાત્રે ૧૦ વાગ્યા પછી તાવ અચાનક ઝડપથી વધી જતો હોય છે. વાયરસની આ અનિશ્ચિત પેટર્નને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને રોગચાળાને નાથવા જિલ્લામાં કુલ ૬૮૧ જેટલી મેડિકલ ટીમો ઉતારવામાં આવી છે.

આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૧,૮૧,૦૦૦ થી વધુ લોકોનું ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ઉંમરના ૧૦૦૦ જેટલા તાવના કેસો મળી આવ્યા છે.રોગના મુખ્ય વાહક એવી સેન્ડફ્લાય માખીઓ પર સંશોધન અને તેને અટકાવવા માટે ચેન્નાઇથી એન્ટોમોલોજીકલ વિભાગની ૧૦ સભ્યોની વિશેષ ટીમ ગોધરા આવી પહોંચી છે.

આ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને બાયોકેમિકલ એનાલિસિસ માટે વિંઝોલ ખાતેથી ૨૬૨ અને સરદારપુરામાંથી ૧૬૦ જેટલા સેન્ડફ્લાય માખીઓના સેમ્પલ એકત્ર કર્યા છે. આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ અપીલ કરી છે કે ૦ થી ૧૫ વર્ષના કોઈપણ બાળકને સખત તાવ આવે તો મોડું કર્યા વિના તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ગોધરા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો. ‘અર્લી ડાયગ્નોસિસ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ’ (EDPT) ના સિદ્ધાંત મુજબ જો વહેલું નિદાન થશે તો બાળકની સઘન સારવાર શક્ય બનશે. તંત્ર દ્વારા ખાનગી તબીબો સાથે પણ સંકલન સાધીને તમામ જરૂરી સારવારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

Back to top button