સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં યાત્રિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક સાફ-સફાઈ અને દબાણ હટાવો ઝુંબેશ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ (ચાંપાનેર) ખાતે યાત્રિકો અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સાફ-સફાઈ તેમજ દબાણ હટાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાંપાનેર ગ્રામ પંચાયત બોડી, સરપંચ, ગામના રહીશો અને સ્થાનિક દુકાનદારોએ એકજૂથ થઈને આ સરાહનીય કામગીરી હાથ ધરી હતી, જેથી પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાવાગઢમાં માંચીથી લઈને તારાપૂર દરવાજા સુધીના માર્ગ પર આવેલા ભયજનક સ્થાનો અને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે ચાંપાનેર ગ્રામ પંચાયત દ્વારા તમામ લોકોને અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી. પંચાયતની આ અપીલ અને સૂચનાઓને પગલે સ્થાનિક વેપારીઓ તેમજ દુકાનદારોએ ભારે જાગૃતતા દાખવીને સ્વેચ્છાએ જ રસ્તામાં આવતા પથ્થરો અને અન્ય ભયજનક દબાણો જાતે જ હટાવી લીધા હતા. પંચાયત અને સ્થાનિકોના આ સંયુક્ત અને સ્વૈચ્છિક પ્રયાસથી યાત્રાધામમાં દર્શનાર્થે આવતા લાખો યાત્રિકો તેમજ સ્થાનિક રહીશોની સલામતી વધુ સુનિશ્ચિત થઈ છે.



