પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વધુ એક માસૂમ બાળકનું મોત થતા કુલ મરણઆંક ત્રણ પર પહોંચ્યો

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે ગોધરા તાલુકાના મણિપુર ગામના એક વર્ષના માસૂમ બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટના સાથે જ જિલ્લામાં આ જીવલેણ વાયરસના કારણે જીવ ગુમાવનારા બાળકોની કુલ સંખ્યા ત્રણ પર પહોંચી ગઈ છે. અગાઉ જિલ્લામાં ૨ બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મોત થયા હતા. જ્યારે આ ત્રીજા બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ નીપજતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા આ એક વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેની અત્યંત ગંભીર સ્થિતિને જોતા તબીબોએ વધુ સઘન સારવાર માટે તાત્કાલિક અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે રીફર કર્યું હતું. પરંતુ કમનસીબે, ગંભીર હાલતમાં રહેલું બાળક અમદાવાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ કાળનો કોળિયો બની ગયું હતું અને તેણે દમ તોડી દીધો હતો.
આ ગંભીર પરિસ્થિતિને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાભરમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્રની વિવિધ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ કરીને આ જીવલેણ વાયરસ ફેલાવવા માટે મુખ્યત્વે જવાબદાર એવી ૩૦૦ થી વધુ સેન્ડફ્લાય માખીઓને પકડી પાડવામાં આવી છે. આ રોગચાળાના ઉપદ્રવને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તદ્પરાંત, સેન્ડફ્લાય માખીઓ મુખ્યત્વે કાચા મકાનોની દીવાલોની તિરાડોમાં આશ્રય લેતી હોવાથી, તંત્ર દ્વારા કાચા અને પાકા મકાનોની દીવાલોમાં રહેલી તમામ તિરાડોને માટી કે સિમેન્ટથી પૂરવાની કામગીરી પણ ત્વરિત ગતિએ શરૂ કરી દેવામાં આવી છે.



