પંચમહાલમાં સરકારી ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોલેજ શરૂ કરવા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારની શિક્ષણ મંત્રીને રજૂઆત

પંચમહાલ જિલ્લામાં સરકારી ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોલેજના અભાવે વિદ્યાર્થીઓની કારકિર્દીને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી રાજ્યસભાના સાંસદ સભ્ય દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તાત્કાલિક અસરથી પી.ટી.સી.નો અભ્યાસક્રમ શરૂ કરવા લેખિત માંગ કરી છે.
શિક્ષણ મંત્રીને પાઠવેલા પત્રમાં રાજ્યસભાના સાંસદ સભ્યએ જણાવ્યું છે કે પંચમહાલ જિલ્લામાં હાલમાં એક પણ સરકારી ડી.એલ.એડ. કોલેજ ઉપલબ્ધ ન હોવાથી જિલ્લાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફરજિયાતપણે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે. બહારગામ રહીને અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર મોટો આર્થિક બોજો પડે છે. આ પરિસ્થિતિને કારણે પંચમહાલ જેવા આદિવાસી અને પછાત વિસ્તારના આર્થિક રીતે નબળા અનેક વિદ્યાર્થીઓ ઈચ્છા હોવા છતાં શિક્ષક તાલીમના અભ્યાસથી વંચિત રહી જાય છે.
આ સમસ્યાના વ્યાવહારિક ઉકેલ તરીકે સાંસદે ગોધરા ખાતે આવેલા ડાયેટ ભવનનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં સ્પષ્ટ કરાયું છે કે ગોધરા ડાયેટ ખાતે જરૂરી શૈક્ષણિક માળખું, પ્રશિક્ષિત અને અનુભવી અધ્યાપકવર્ગ તેમજ આ અભ્યાસક્રમ સફળતાપૂર્વક ચલાવવા માટેની તમામ આવશ્યક ભૌતિક સુવિધાઓ અને ક્ષમતા પહેલેથી જ ઉપલબ્ધ છે. જો સરકાર દ્વારા અહીં મંજૂરી આપવામાં આવે તો નવું માળખું ઊભું કર્યા વિના જ સ્થાનિક કક્ષાએ શિક્ષણ કાર્ય શરૂ કરી શકાય તેમ છે.
ગોધરા ખાતે આ કોલેજ શરૂ થવાથી પંચમહાલ અને આસપાસના જિલ્લાઓના ગ્રામ્ય તથા આદિવાસી યુવાનોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષક તાલીમ મળી રહેશે. આનાથી માત્ર વિદ્યાર્થીઓના આર્થિક બોજામાં જ ઘટાડો નહીં થાય, પરંતુ ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને કુશળ શિક્ષકો પણ સ્થાનિક સ્તરેથી જ તૈયાર થશે.
અંતમાં રાજ્યસભાના સાંસદ સભ્યએ રાજ્ય સરકારના સર્વસમાવેશક અને સમાન શિક્ષણના હેતુને સાકાર કરવા તેમજ હજારો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાના ધોરણે ડી.એલ.એડ. અભ્યાસક્રમને મંજૂરી આપવા સહાનુભૂતિપૂર્વક ભલામણ કરી છે.



